Welcome to RajputanaRevolution Blog

ગોંડલનાં પ્રજાવત્સલ મહારાજા સર ભગવતસિંહજી એ કરેલો ગોંડલનો વિકાસ..

તા.૨૨મી જાન્યુઆરી ૧૮૮૪ના રોજ માત્ર ૧૮ વર્ષની વયે ગોંડલ રાજ્યનું શાશન સંભાળનાર આ અદ્વિતીય શાશકે વહીવટી કુશળતા અને દીર્ઘદ્રષ્ટિ દ્વારા ગોંડલને સોનાની દ્વારિકા જેવું સમૃદ્ધ રાજ્ય બનાવી દીધું હતું.

પાણી પૂરવઠો..

માત્ર વરસાદ પર આધાર ન રાખતા સંખ્યાબંધ કુવાઓ અને તળાવો ખોદાવીને પીવાના તથા સિંચાઈના પાણીની અદભૂત વ્યવસ્થા કરી હતી. વર્ષો પહેલા એમણે ગોંડલનાં વેરી તળાવના દરવાજા એવી રીતે બનાવ્યા હતા કે દરવાજા ખોલવાની જરૂર જ ના પડે. ડેમનું પાણી અમુક સપાટી સુધી પહોંચે એટલે દરવાજાઓ ઓટોમેટિક ખૂલી જાય. આઝાદી પહેલાના સમયમાં પણ ગોંડલની પ્રજાને ફિલ્ટર કરેલું પાણી તાંબાની પાઈપલાઈન દ્વારા ૨૪ કલાક પૂરું પાડવામાં આવતું.
કૃષિ…

મહારાજા ભગવતસિંહજી ખેડૂતોને ‘સોનાના ઝાડ’ કહેતા. ખેડૂતો પાસેથી કર રૂપે ઉઘરાવવામાં આવતી વિઘોટીનો દર સાવ ઓછો કરીને ખેડૂતોને બહુ મોટી રાહત આપી હતી. ખેડૂતોને ખેતી વિષયક જ્ઞાન આપવા ખેતીનો વર્ગ ખોલ્યો હતો અને ખેતાખા રાજ્યમાં ફરતા કૃષિ નિષ્ણાંતોની નિમણૂક કરી હતી જે સતત ફરતા રહે અને ખેડૂતોને માહિતી આપતા રહે. કોઈપણ જાતના કારમાં વધારો કર્યા વગર રાજ્યની આવકમાં બહુ મોટો વધારો કર્યો હતો કારણકે કરનો દર ભલે એ જ રહ્યો પણ ખેત ઉત્પાદન વધવાથી રાજ્યની આવક વધી હતી. ભગવતસિંહજી કહેતા કે ‘હું માનું છું કે ખેડૂતોની આબાદીમાં જ રાજ્યની સમૃદ્ધિ સમાયેલી છે. આપણા જેવા કૃષિપ્રધાન દેશોમાં ખેડૂતોની સ્થિતિ પરથી જ સમગ્ર રાજ્યની સ્થિતિનું માપ કાઢી શકાય છે.’

શિક્ષણ…

ગોંડલ રાજ્યમાં પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજીયાત હતું. મહારાજા ભગવતસિંહજીએ અંગત રસ લઈને ગોંડલ રાજ્યના વિદ્યાર્થીઓ માટે પાઠ્યપુસ્તકો તૈયાર કરાવ્યા હતા. શાળાઓના મકાન પણ તમામપ્રકારની સુવિધાઓથી પરિપૂર્ણ હતા. મહારાજાએ ગાદી સંભાળી ત્યારે ગોંડલ રાજ્યમાં ત્રીજા ધોરણ સુધીની માત્ર એક જ શાળા હતી પણ ભગવતસિંહજીનાં શાશન દરમ્યાન એમણે ગામડે ગામડે શાળાઓ ઉભી કરી. મહારાજાએ ગોંડલ રાજ્યની કન્યાઓ માટે કન્યાકેળવણી ફરજીયાત બનાવી હતી. દીકરી શાળાએ ન જાય તો તેના વાલીને ચારઆનાનો દંડ કરવામાં આવતો હતો. દીકરીઓને ભણવામાં પ્રોત્સાહન મળે એટલે રાજકુમારી લીલાબાને અન્ય સામાન્ય કન્યાઓની સાથે જ મોંઘીબા વિદ્યાલયમાં ભણવા માટે બેસાડયા હતા.
આરોગ્ય…

મહારાજા ભગવતસિંહજીએ પોતે એડનબરોથી ડોકટરની પદવી પ્રાપ્ત કરી હતી આથી ગોંડલ રાજ્યની સ્વાસ્થ્ય સેવાઓ ઉત્કૃષ્ટ હોય એ સ્વાભાવિક છે. તે સમયે ૬ લાખથી વધુ ખર્ચ કરીને ગોંડલ રાજ્યના મોટા શહેરોમાં હોસ્પિટલ મકાનો બંધાવ્યા હતા. દરેક હોસ્પિટલમાં આધુનિક સાધનોથી સંપન્ન ઓપરેશન થિયેટરની પણ સુવિધા હતી. ગોંડલની હોસ્પિટલમાં તે સમયે નર્સિંગ અને દાયણનું શિક્ષણ આપવામાં આવતું જે પ્રાપ્ત કરીને કેટલીયે બહેનોએ રોજગારી મેળવી અને સેવાના કામમાં લાગ્યા.

ઇન્ડિયન પ્લેગ કમિશનના પ્રમુખ સર થોમસે ગોંડલની હોસ્પિટલની મુલાકાત લીધા બાદ કહેલું કે ‘હિન્દુસ્તાનની ત્રણ શ્રેષ્ઠ ગણાતી હોસ્પિટલમાં ગોંડલની હોસ્પિટલનો સમાવેશ કરી શકાય.’ આજથી સવાસો વર્ષ પહેલા ભગવતસિંહજીએ હરતા ફરતા દવાખાના (મોબાઈલ ડિસ્પેન્સરી)ની શરૂઆત કરી હતી જેથી ગામડાના લોકો પણ આરોગ્ય સેવાથી વંચિત ન રહી જાય.
કાયદો અને વ્યવસ્થા…

ગોંડલની પ્રજાની સલામતી માટે રાજ્યમાં કડક પોલીસ બંદોબસ્ત રાખવામાં આવતો. લગભગ ૨૫૦ જેટલી સુવિધાપૂર્ણ પોલીસ ચોકીઓ બનાવવામાં આવી હતી. પોલીસને સારો પગાર, પેન્શન, ગ્રેચ્યુઈટી વગેરે લાભો આપીને સંતુષ્ટ રાખવામાં આવતા જેથી તેઓ ફરજો બજાવવામાં ઉણા ન ઉતારે. જો કોઈ પોલીસ પ્રજા સાથે અત્યાચાર કરે તો પોલીસને નોકરીમાંથી બરખાસ્ત કરી દેવામાં આવતો અને અન્ય શિક્ષા પણ કરવામાં આવતી. દીવાની-ફોજદારી કામોના નિકાલ માટે ન્યાયાલયો સ્થાપીને તેમાં ન્યાયાધીશોની નિમણૂક કરવામાં આવતી હતી. ગોંડલ રાજ્યના કાયદાનો ભંગ રાજકુમાર કરે તો તેઓ પણ સજામાંથી છટકી શકતા નહિ.

મહારાજા ભગવતસિંહજીએ કરેલા કામોને વર્ણવવા માટે શબ્દો ટૂંકા પડે એટલા પ્રજાકલ્યાણનાં કાર્યો મહારાજાએ એમના શાશનકાળ દરમ્યાન કરેલા હતા. મહારાજાએ શાશન સંભાળ્યાને ૫૦ વર્ષ પૂર્ણ થયા ત્યારે ગોંડલ રાજ્યની પ્રજાએ પોતાના મહારાજાનું અનોખું સન્માન કરવાનું નક્કી કર્યું. તા. ૨૫મી ઓગસ્ટ ૧૯૩૪નાં રોજ પ્રજાએ પોતાના મહારાજાની સૂવર્ણતૂલા કરી. આ સમગ્ર વિશ્વની એવી પ્રથમ ઘટના હતી કે જ્યાં પ્રજાએ એના રાજાની સૂવર્ણતૂલા કરી હોય અમે મહારાજાએ એ તમામ સોનું પ્રજાકલ્યાણનાં કામમાં ખર્ચ કરવા આપી દીધું હોય.

ગોંડલની પ્રજાએ એમના આવા પ્રજાવત્સલ મહારાજાની યાદમાં એમની જન્મજયંતીની શાનદાર ઉજવણી કરવી જોઈએ. આખું ગોંડલ રોશનીથી શણગારવું જોઈએ, ઘરે ઘરે રંગોળી પુરાવી જોઈએ, મોટા કાર્યક્રમો થવા જોઈએ જેમાં ભગવતસિંહજીના શાશનકાળની લોકોને વાતો સંભળાવવામાં આવે. જો આવું કઈ નહિ થાય તો નવી પેઢી પોતાના આ પ્રતાપી મહારાજાને સાવ ભૂલી જશે..

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.